આઈ શ્રી સોનલ માં
આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મકથી ભરપૂર છે. સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળશાહ, સતાધારમાં આપાગીગા, બગદાણામાં બાપાસિતારામ, ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમ ધામના…આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલધામસંવત ૧૯૮૦ પોષ સુદ-૨ 25મી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી હમીરભાઇ મોડને ઘરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇનો જન્મ થયો. પુજ્ય આઇમાં એ જન્મ ધારણ કરીને પોતાના તુંબેલ કુળને, મોડવંશને, ચારણ જાતીને તેમજ સમાજના સર્વે વર્ગો જાતીને પવિત્ર કર્યા અને ઉજ્જવળતા શુધ્ધતા આપી. એમના જન્મથી આઇ રાણબાઇ પણ ધન્ય બન્યા તથા આઇમા શ્રી સોનબાઇની જન્મદાત્રી માતાનું મહાન યશસ્વી પદ પામ્યા.
મઢડાવાળી સોનલ માતાજી…. જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે મઢડા ગામ… આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે… 653 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય. ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે.
મંદિરમાં બિરાજીત આઈ સોનલ માં ની દયામયી મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસતું પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો હતો છતાં તેમણે સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયા ભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રધ્ધા ધરાવે છે. અને માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી.
મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હરી હરનો સાદ પડે છે. એટલે કે સદાવ્રત ચલાવાય છે. કોઈ પણ ભુખ્યું જતું નથી અને કોઈને સંસારનું કોઈ દુખ રહેતું નથી. સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે. ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે. માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે.
પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પુરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મ દિવસને લોકો “સોનલ બીજ” તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઈંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે. આવા તો માતાજીના અનેક ભક્તો છે. તે તન-મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક માં સમક્ષ ઝૂકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે.
કોણ હતા શ્રી સોનલ માતા..? કેવી રીતે ઓળખાયા મઢડાવાળી માતાના નામે ? અને શું છે ચારણોની શક્તિપીઠ કહેવાતા આઈ શ્રી સોનલ ધામનો મહિમા ?
ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણો એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે. ચારણોની દેશભક્તિ કર્તવ્ય પરાયણતા સંસ્કૃતિની રક્ષા સાહિત્ય સેવા વીરતા નિતિમતા અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે. ત્યારે આઈ શ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચાઓ પણ આપ્યા. ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્તો પણ આઈ શ્રી સોનલ માતાજીને માનતા હતા.. માં ભગવતીનો જ અવતાર…ખીમરવંતી પ્રજા.. જેના સ્વરો અને છંદોથી આપણી સંસ્કૃતિને મળી છે નવી ઓળખ.. તેમજ આઈ શ્રી સોનલ માતાજીનો અપરંપાર મહિમા તો આપે જાણ્યો.
આઈ શ્રી સોનલ માતાજીએ કોને કોને આપ્યા પરચાઓ?
આઈ શ્રી સોનલ માતાજીએ પોતાના જીવનકાળમાં માત્રને માત્ર પુરૂષાર્થ… જીવનમાં સત્ય પવિત્રતતા સાદાઈ અને સાત્વિકતા અગ્રસ્થાને રાખી. ચારણ સમાજને એક કરવાનું અને વ્યસનમુક્ત કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું. તેમજ શિક્ષણ ની જયોત પ્રગટાવવા ચારણોના ગામે ગામે પ્રવાસ કરેલ. તથા ચારણના વિધાર્થીઓ માટે છાત્રાલય શરૂ કરાવેલ. ચારણ સમાજ પણ આવી દિવ્ય આત્માને ધ્યાનથી સાંભળતા. પોતાના જીવનમાં આઈ શ્રી સોનલ માતાજીના પ્રવચનોને અને વ્યાખ્યાનોને ઉંડા ઉતારતા. આઈ શ્રી સોનલ માતાજીએ વિવિધ સમાજના લોકોને પરચાઓ આપ્યા છે. જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાદ કર્યો છે ત્યારે અવશ્ય માતાજીએ પરચા પૂરીને ભક્તોના દુઃખ દૂર કર્યા છે.
શું છે સોનલ ધામનો ઈતિહાસ ? કોણ હતા આઈ શ્રી સોનલ માતાજી ?
મહાભારત વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેકશઃ વર્ણનો જોવા મળે છે.
એવું કહેવાય છે કે જે ચારણ… સાચા અને શુદ્ધ ચારણ છે. તે ક્યારેય ખોટું બોલતા નથી. સાહિત્યમાં અને લોકડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ. ખરેખર.. ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે. જેમાં તે પવિત્રતા, શુદ્ધતા,સ્વમાનતા, ખુમારી ,નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે.
ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, આઝાદીકાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર-વિમર્શ પણ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાગ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા.
જે કોઈપણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થે પધારે છે તે બીજી વખત અચૂકપણે અહીંયા સહપરિવાર દર્શનાર્થે ચોક્કસથી આવે જ છે.
શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો.. ભલ ભલાને આંજી દે
આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાય રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા હતા. જીવનમાં ક્યારેય તેઓ શાળાએ ગયા હતા નહી. પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા જેવા પવિત્ર સ્થળોએ પણ સંતસંગ કર્યા. એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા. શ્રી સોનલ માતાજી.. માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતા પણ અન્ય દેવી-દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા. ખરેખર… શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો.. ભલ ભલાને આંજી દે તેવું હતું.
શ્રી સોનલ માં કેવી રીતે ગયા ધામ માં…..
કેહવાય છે કે આલોકમાં જેની જરૂર હોય એની પરમાત્માને પરમલોક માંય જરૂર હોય છે. સ્વર્ગમાં સતીત્વ અને શક્તિત્વની ખોટ પડી હશે અને પરમાત્માને એનુ સુરપુર જગદંબાના આત્મતત્વથી ઉજળુ બનાવવું પડશે એથી ઇશ્વરે જગત માથે વિચરતા આઇ તત્વને પોતાની પાસે બોલાવી લેવાનાં અણસાર આવવા માંડ્યા. સ્વયં પ્રગટેલી પરાશક્તિની અંશ પરમજ્યોત એ પરામ્બાંમા સમાઇ જવાના પ્રમાણો આપવા માંડી. રામ અને કુષ્ણએ પણ માનવ સહજ નિવાર્ણ સ્વીકાર્યુ હતું.એમ જગત આખાના દુઃખને પળવારમાં દાબી શકે એવી પરાશક્તિ અંબાના ધારક આઇશ્રી સોનલમાંએ પણ મહાનિર્વાણ માટે પોતાનાં પંડમા માંદગીને મુંગો આવકાર આપ્યો. હાલતા-ચાલતા, હસતા-બોલતા અને વાતો કરતા આઇમાએ માંદગીને કળવા પણ ન દીધી. માંદગી આઇમાના મહાવિરામનું નિમીત બનીને આવી. સં ૨૦૩૧ અને કારતક સુદ-૧૩ તા.૨૭/૧૧/૭૪ બુધવારનો સુરજ ચારણ સમાજ અને જગત આખા માટે કાળો મેશ અંધાર લઇને ઉગ્યો. આ કારમાં દિવસે આઇમાએ જીવનલીલા સહજરીતે સંકેલી લીધી અને આઇમાં એ અવિનાશી આદિશક્તિ અંબામાં અંતરધ્યાન થઇ ગયા. આઇ તત્વ મહાશક્તિમાં વિલીન થઇ ગયુ.
સંદર્ભ - ચારણી સાહિત્ય
No comments:
Post a Comment