Showing posts with label દિવ્ય મોદી. Show all posts
Showing posts with label દિવ્ય મોદી. Show all posts

Wednesday, August 2, 2023

બદનક્ષી કાયદો | defamation law

બદનક્ષી કઇ રીતે થઇ શકે?,
 કાયદામાં શી જોગવાઇ છે?
અધિકાર ?
- દિવ્યા મોદી, (એડવોકેટ અને નોટરી)

કોઇ પણ વ્યક્તિ અન્ય માટે જાહેરમાં કોઇ એ‌વી વાત કરે કે જેના લીધે તે વ્યક્તિને માનસિક, સામાજિક અથવા તો પારિવારિક હાનિ પહોંચે તો એ બદનક્ષીનો ગુનો બને છે અને તે માટે સજા પણ થઇ શકે છે.

કોઇ વ્યક્તિ જાણીજોઇને કંઇ કહે જેનાથી બીજી વ્યક્તિના હિતને હાનિ પહોંચે એમ હોય તેને બદનક્ષી કહેવામાં આવે છે. આ માટે કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે.
જે કોઈ વ્યકિત કોઈ બીજી વ્યકિતની આબરૂને હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી તેની આબરૂને હાનિ પહોંચશે એમ જાણવા છતાં અથવા એમ માનવાને કારણ હોવા છતાં બોલેલા અથવા વંચાશે એવા ઈરાદાથી શબ્દોથી અથવા ચેષ્ટાથી અથવા દેખી શકાય એવી આકૃતિથી તેના ઉપર આળ મૂકે અથવા પ્રસિદ્ધ કરે તેણે તે વ્યકિતની બદનક્ષી કરી કહેવાય.

કોઈ મરહુમ વ્યકિત હોય અને તેના પર કોઇ પ્રકારનું આળ મૂકવાથી તેની આબરૂને હાનિ પહોંચે અને જે તેના કુટુંબને અથવા નજીકના સગાવહાલાઓની લાગણી દુભાવવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય તેવું આળ તે મરહૂમ વ્યકિત પર મૂકનાર વ્યક્તિનંુ કૃત્ય બદનક્ષીનો ગુનો બની શકે.
કોઈ કંપની અથવા એસોસિએશન અથવા વ્યકિતઓના સમૂહ ઉપર કંઈ આળ મૂકવાથી બદનક્ષીનો ગુનો બની શકે.

વ્યંગોક્તિથી મૂકેલા આળથી પણ બદનક્ષીનો ગુનો બની શકે. જે આળથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બીજાની દૃષ્ટિએ કોઈ વ્યકિતની નીતિમતા અથવા બુદ્ધિમતા નીચે પડે નહીં અથવા તેની જ્ઞાતિ કે ધંધા અંગે તેની પ્રતિષ્ઠા હલકી પડે નહીં અથવા તેની શાખ હલકી પડે નહીં અથવા શરીર ઘૃણાજનક હાલતમાં અથવા સામાન્ય રીતે શરમજનક ગણાય એવી હાલતમાં છે એમ માનવામાં આવે નહીં તેવા આળથી તે વ્યકિતની આબરૂને હાનિ પહોંચી કહેવાય નહીં. કોર્ટની કાર્યવાહીના રીપોર્ટની પ્રસિદ્ધિમાં પણ બદનક્ષી થતી હોય છે.

જાહેર હાનિના ગુણદોષ
કોઈ હાનિ લોકોના અભિપ્રાય માટે રજૂ થયાનું સૂચવતા તેના કર્તાના કૃત્યો દ્વારા રજૂ કરી શકાય. જે વ્યકિતને કોઈ બીજી વ્યકિત ઉપર કાયદાથી મળેલા અથવા તેની સાથે થયેલા કાયદેસરના કરારથી મળેલો કોઈ અધિકાર હોય તે વ્યકિત એવા કાયદેસરના અધિકારને લગતી બાબતોમાં તે બીજી વ્યકિતના વર્તન અંગે તેને શુદ્ધબુદ્ધિથી ઠપકો આપે તે બદનક્ષી નથી.

અધિકૃત વ્યકિત સમક્ષ શુદ્ધબુદ્ધિથી આરોપ મૂકવા બાબત
આરોપીની બાબત અંગે કોઈ વ્યકિત ઉપર જેમને કાયદેસર અધિકાર હોય તેમાંની કોઈ સમક્ષ તે વ્યકિત ઉપર શુદ્ધબુદ્ધિથી આરોપ મૂકવા તે બદનક્ષી નથી. કોઈ વ્યકિતના ભલા માટે અથવા જાહેર હિતમા અપાયેલી હોય એવી ચેતવણી એક વ્યકિતને બીજી વ્યકિત વિરુદ્ધ શુદ્ધબુદ્ધિથી ચેતવણી આપવી તે બદનક્ષી નથી પરંતુ એવી ચેતવણી જેને આપવામા આવી હોય તેનું અથવા જે વ્યકિતમાં હિત ધરાવતી હોય તેનું ભલું કરવાના ઈરાદાથી અથવા જાહેર હિતમાં તે અપાયેલી હોવી જોઈએ.

કોઈ અપવાદ લાગુ પડે છે કે કેમ તે ફરિયાદ કરતી વખતે વિચારવાનું હોતું નથી પરંતુ જયારે કેસ ચાલવા ઉપર આવે ત્યારે આરોપી બચાવરૂપે તેની પાસે કોઇ અપવાદ હોય તો રજૂ કરી શકે.

બદનક્ષીનો ગુનો બનવા માટે દ્વેષ હોવો જરૂરી નથી. જાહેર જનતામાંથી કોઈ વ્યકિતને કંઇ તે મોકલવામાં કે જણાવવામાં આવે પતિ-પત્ની સમક્ષ આક્ષેપ પ્રગટ કરે તો બદનક્ષી થાય છે.ભારતના કાયદા હેઠળ પતિ-પત્ની એક જ વ્યકિત છે એવી કોઈ ધારણા નથી.

બીજાએ ગુનો કર્યો છે તેવો આક્ષેપ જરૂર બદનક્ષી કરે તેવો છે. તેથી બીજાએ ખૂન કર્યુ છે, ચોરી કરી છે તેવો આક્ષેપ કરવાથી જરૂર બદનક્ષી થાય છે. આવા આક્ષેપથી વ્યકિતની આબરૂને હાનિ પહોંચે છે. કોઈ સ્ત્રી સામે આક્ષેપ મૂકવો કે વ્યભિચારી છે તો તેમ બદનક્ષી થાય છે.

કોઈ વ્યકિત વિશે સાચો હોય તેવો આક્ષેપ કરવો તે બદનક્ષી નથી. જો તે જાહેર હિતમાં ન હોય તો આક્ષેપનું સત્ય તેને બદનક્ષી થતાં નહીં અટકાવે. એક હકીકત પ્રગટ કરવી તે જાહેર હિતમાં હોય પણ તેની અયોગ્ય જાહેરાત કરવી તે જાહેર હિતમાં ન હોય તેવું હોય તો તેનું પ્રગટ કરવું એ અપવાદ હેઠળ સુરક્ષિત ગણવામાં આ‌વતું નથી.

હકીકતનું નિરુપણ સાચંુ હોવું જોઇએ.
જાહેર પ્રશ્નને સ્પર્શતા કોઈ વ્યકિતના વર્તન વિશે અને એના વર્તનમાં પ્રતીત થતાં અને એથી કોઈ ભિન્ન નહીં એવા ચારિત્ર વિશે શુદ્ધબુદ્ધિથી કોઈ પણ અભિપ્રાય વ્યકત કરવા એ બદનક્ષી નથી, પરંતુ શુદ્ધબુદ્ધિથી કોઇના ચારિત્ર પ્રત્યે અભિપ્રાય વ્યકત ના કર્યો હોય એ બદનક્ષી ગણાય.

અદાલતોની કાર્યવાહીના અહેવાલનું પ્રકાશન-
કાર્યવાહીમાં અદાલતના નિર્ણય અને હુકમ ઉપરાંત વાંધાજનક ફરિયાદ અને નિવેદનોનો પણ સમાવેશ થાય છે. અધિકૃત વ્યકિત સમક્ષ શુદ્ધબુદ્ધિથી મૂકેલું તહોમતમાં અગત્યની શરત એ છે કે જે વ્યકિત સમક્ષ ફરિયાદ કરવામાં આવી હોય તેની સામે પગલાં લેવાની સત્તા હોવી જોઈએ.

ફરિયાદકર્તા કરતાં અન્ય કોઇ વ્યક્તિ દ્વારા કાર્યવાહી કરી શકે છે. ગુનેગારની વય અઢાર વર્ષથી ઓછી હોય તો તે ગુનો ગણાતો નથી અન્યથા અઢાર વર્ષ કે તેથી મોટી વય હોય તો ગુનો સ્પષ્ટ થાય છે જે કોઈની બદનક્ષી થવાથી સજાને પાત્ર પણ ઠરી શકે છે. જો ફરિયાદી ફરિયાદ કરે અને તે સાબિત થાય તો બદનક્ષી કરવા માટે ઘણી વાર જેલની સજા અથવા તો અમુક રકમ સુધીના દંડની ચૂકવણીની સજા અથવા બંને થઇ શકે છે. સ્ત્રીઓ માટે આ કાયદાની જાણ હોવી ખાસ જરૂરી છે જેથી જરૂર લાગે તો તેઓ આનો ઉપયોગ કરી શકે.

સૌજન્ય - દિવ્ય ભાસ્કર ડિજિટલ (21-04-2015)