Showing posts with label રમેશ પટેલ. Show all posts
Showing posts with label રમેશ પટેલ. Show all posts

Saturday, December 24, 2022

મધપુડો - રમેશ પટેલ

 મધપૂડો 

(પુસ્તક- વાંચન - પુસ્તકાલય)


શીર્ષક વાંચતા તો પહેલા વિચાર આવ્યો કે મધપૂડો એટલે ? આ પુસ્તકમાં શું હશે ? મધપૂડા વિષેની માહિતી હશે ? પણ આવડી જાડી પુસ્તકમાં માત્ર મધપૂડા વિષે તો નહીં જ હોય. શીર્ષકની નીચે હતું પુસ્તક- વાંચન - પુસ્તકાલય એટલે થોડો ખ્યાલ આવ્યો કે બરોબર આ પુસ્તક એ વાંચન ઉપર છે. પણ મધપૂડો શીર્ષક કેમ ? એ પ્રશ્ન હજુ મુંઝવતો હતો.  


માત્ર એ પ્રશ્ન ઉકેલવા માટે પુસ્તક ખોલ્યું પ્રથમ લેખકનું નિવેદન હતું એમાં લખેલ એકાદ વાક્યની વાત કરું તો "પુસ્તકપ્રીતિ અને વાંચન રુચીએ મને જીવંત તો રાખ્યો, પણ જીવનની કટોકટીની પળોમાં ટકાવી રાખ્યો. અધ્યાપનના વ્યવસાયને બળવત્તરતા બક્ષી, મને ઉબાવા ન દીધો. વહેતો રાખી નિર્મળ રાખ્યો. સંકુચિતતા, લઘુતાગ્રંથી, મડાગાંઠો, સ્વભાવની ત્રુટીઓ અને પતનની ક્ષણોમાં હકારાત્મક બળ મળતું રહ્યું છે."


લેખક રમેશ પટેલના શરૂઆતથી નિવેદનમાં જ મને પુસ્તક વાંચવાનો રસ જાગ્યો વિચાર આવ્યો કે આ જમાનામાં ભાઈ ને ભાઈ પ્રત્યે પ્રેમ નથી અને આ નિર્જીવ પુસ્તક પ્રત્યે એટલી આત્મીયતા ? જીજ્ઞાસા હજુ વધી અને પુસ્તક વાંચતા - વાંચતા ક્યારે અડધુ પુસ્તક વંચાઈ ગયું ખબર જ ન પડી. પુસ્તક વાંચતો હતો ત્યારે હું કોઈકના સપનાઓમાં ઘૂમતો હોય તેવું લાગ્યું, કેમકે આ પુસ્તકની અંદર 438 જેટલા લેખકો, વિવેચકો, પત્રકારો, સાહિત્યકારોએ પોતાના પુસ્તક અને વાંચન અંગેના અંગત અનુભવો લખ્યા છે. એક જ જગ્યાએથી એટલું બધું એક સાથે મેળવવું જે રીતે ઢગલાબંધ મધમાખીઓ અલગ - અલગ જગ્યાએથી ફુલ માંથી રસ ચુસીને મધપૂડો બનાવે છે. ત્યારે મને સમજાયું કે આ ગ્રંથને મધપૂડા થી વિશેષ કોઈ શીર્ષક હોય જ ન શકે. મેં તો પુસ્તક વાંચ્યું ઓછું અને અનુભવયું વધારે. કહી શકાય કે હું મારી દુનિયામાંથી બહાર નીકળીને કોઈકના પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જતો હતો.


આની પહેલા આવું પુસ્તક કે ગ્રંથ ભાગ્યેજ જોયું અને વાંચ્યું હશે. આજે આનંદ સાથે લખી શકું છું કે ભાગ્યેજ આવું કોઈ બીજું પુસ્તક બન્યું પણ હશે. સંકલનકર્તા રમેશ પટેલનો મધપુડો એ મારી વાંચન યાત્રાનો પાયો બનશે. તેમનું ઋણ સ્વીકારું છું.

છબી - ભાર્ગવ મકવાણા

છબી - ભાર્ગવ મકવાણા