નારદઋષિ આદ્યપત્રકાર
ભારતીય પત્રકારત્વના ઇતિહાસ અને તેના વિકાસની ઝાંખી કરીએ તો છેક અંતરિક્ષથી તેનો પ્રારંભ કરવો પડે. સવાલ એ ઉપસ્થિત થાય કે, ભારતીય પત્રકારત્વના વિકાસ અને અંતરિક્ષને શું લાગેવળગે ? આ એક રસપ્રદ વિચાર છે. અને ભારતીય પત્રકારત્વના ઉદ્ભવ, વિકાસ અને ઇતિહાસનું પગેરું છેક અંતરિક્ષ સુધી લંબાય છે. આવો, અંતરિક્ષથી આઝાદી સુધી વિસ્તરેલા ભારતીય પત્રકારત્વના વિકાસ ઉપર એક દૃષ્ટિપાત કરીએ.
પત્રકારો નારદજીને જગતના આદ્યપત્રકાર તરીકે સ્વીકારે છે. નારદજી ચૌદેય લોકમાં ભ્રમણ કરતા અને વિવિધ પ્રકારના સમાચારો આ લોકથી બીજા લોકમાં પહોંચાડતા. વળી, નારદજી ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય તો તેમના ઉપર કોઈ જ પ્રવેશબંધી ન હતી. તેઓ પાતાળલોક, દેવલોક, વિષ્ણુલોક, ઇન્દ્રલોક, શિવલોક, પૃથ્વીલોક એમ અસંખ્ય લોકમાં ભ્રમણ કરતા. નારદજી એક લોકમાં બનતી ઘટનાનાં સમાચાર બીજા લોકમાં પહોંચાડતા. ક્યારેક કોઈને લડાવી દેતા અને ક્યારેક સમાધાન પણ કરાવતા. ક્યારેક નારદજી અંતરધ્યાન થઈ જતા અને અંતરિક્ષ માર્ગે પ્રચલન કરતા. દેવલોકના સમાચાર છેક પાતાળલોક સુધી અને પાતાળલોકના સમાચાર છેક હિમાલયની શૃંગ ઉપર બિરાજેલા શિવલોક સુધી પહોંચાડવા માટે એક માત્ર નારદજી જ સક્ષમ હતા. ભૂલોકથી અંતરિક્ષના માધ્યમ દ્વારા શિવલોક સુધી પત્રકારત્વને ગુંજતું કરનાર નારદજી પ્રથમ હોઈ તેમને પી.એમ.પરમાર સેટેલાઈટ જર્નાલીસ્ટ (Satellite Journalist) અંતરગામી પત્રકાર તરીકે નવાજવાનું યથાયોગ્ય રીતે ઉચિત માન્યું છે. નારદજીના પત્રકારત્વના ચમકારાની કથાઓ પુરાણો, શ્રીમદ્ ભાગવત, તેમજ અન્ય પ્રાચીન ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
અંતરિક્ષ પત્રકાર તરીકે નાદરજીએ એક સૂત્ર વહેતું કર્યું હતું :
‘નારાયણ...નારાયણ...નારાયણ.'
‘નારાયણ' શબ્દનો નાદ થાય એટલે સમજી લેવામાં આવે કે, હાથમાં કરતાલ અને વીણા સાથે નારદજીનું આગમન થઈ રહ્યું છે. એમનું વાદ્ય વીજ્ઞા ‘નારદવીણા’ તરીકે પ્રચલિત છે. નારદજી એક કુશળ રિપોર્ટર હતા. જોકે તે જમાનામાં રિપોર્ટર કે પત્રકાર શબ્દો જાણીતા નહીં હોય પરંતુ નારદજીની કામગીરી કાર્યકલાપ પત્રકારત્વની કામગીરી સાથે ઘણો જ તાલમેળ સાધે છે તેનું દૃષ્ટાંત સાંપડે છે શ્રીમદ્ ભાગવતના પહેલા અધ્યાયમાં. સનકાદિક વગેરે ચારેક જેટલા નિર્મળ ઋષિઓ બદરિકાશ્રમમાં સત્સંગની ચર્ચા કરતા હતા ત્યાં નારદજી આવી ચઢતા. આ સંતોએ નારદજીને દુઃખી મનૌઃસ્થિતિમાં જોયા. તેથી તેમણે પૂછ્યું કે નારદજી આપ ચિંતાપરાયણ કેમ જણાવ છો ?
નારદે કહ્યું : 'હું પૃથ્વીને સર્વોત્તમ જાણીને ત્યાં ગયો હતો. પુષ્કર, પ્રયાગ, ગોદાવરી, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ વગેરે સ્થળોએ ફર્યો, પરંતુ મનને સંતોષ થાય એવું મેં ક્યાંય જોયું નહીં. મેં પૃથ્વી પર જ્યાં નજર કરી ત્યાં દુઃખ સિવાય કંઈ દેખાતું નથી, સત્ય, પવિત્રતા, દયા, તપ, દાન, દેખાતાં નથી. પૃથ્વીનાં જીવો, પેટભરા, આળસુ, અસત્ય બોલનારા, મંદ ભાગ્યવાળા અને મંદબુદ્ધિવાળા દુ:ખી જોયા. સંતજનો પણ પાખંડમાં લાગેલાં હતા. ઉપર કહ્યા મુજબ નારદે પૃથ્વીનું વર્ણન એમના શબ્દોમાં કર્યું છે તથા પૃથ્વી ઉપર માનવીના બદતર, ધર્મભ્રષ્ટ જીવનનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. ત્યારે તેમાં પત્રકારત્વનાં સર્વલક્ષણો સમાવિષ્ટ થઈ જ જાય છે.
પત્રકારો પણ નારદઋષિને આઘપત્રકાર તરીકે સ્વીકારે છે. જગતના પ્રથમ પત્રકારનું બિરુદ પણ સન્માનપૂર્વક અર્પિત કરે છે. મહેસાણા જિલ્લાના વિસનગરથી ‘નારદ’ નામનું સાપ્તાહિક પણ પ્રગટ થાય છે જે તેનો બોલતો પુરાવો છે. હકીકતને નજ૨માં રાખીએ તો જગતના આદ્યપત્રકાર તરીકે નાદરજી સ્વીકૃત થયા છે. એ સાથે ભારતીય પત્રકારત્વનો ઉદય પણ અંતરિક્ષ (સેટેલાઈટ – Satellite) માંથી થયો હશે. આજના વૈજ્ઞાનિક તથા ટેક્નોલૉજીના યુગમાં અનેક ટી.વી. ચેનલોના સમાચારોનું પ્રસારણ સેટેલાઈટ ઉપગ્રહ સેવા મારફતે થાય છે, અને તે ક્યારેક જીવંત પ્રસારણ પણ કરે છે. આજથી યુગો પહેલાં સેટેલાઈટ પત્રકારિત્વનો પ્રારંભ પણ નારદજીએ ભારતીય સંસ્કૃતિમાં કર્યો હતો. અનેક ગ્રંથો એ વાતને સમર્થન આપે છે. અંતરિક્ષથી પૃથ્વી ઉપર કે પૃથ્વી ઉપરથી અંતરિક્ષ ઉપર સંદેશાની આપલેની ભૂમિકા નારદજીએ નિભાવી હતી.
ભલે નારદજીને પત્રકારો આદ્યપત્રકાર તરીકે સ્વીકારતા હોય પરંતુ સંતસમુદાય નારદજીને ભક્તિના પથપ્રદર્શક તરીકે સ્વીકારે છે. ભારતમાં ભક્તિનો મહિમા વધારનાર, ભક્તિના પથપ્રદર્શક અને ભક્તિના પ્રેરણાસ્રોત તરીકે નારદજીને જ ઓળખવામાં આવે છે. ઋષિ તરીકે નારદજીએ એક સૂત્ર લખ્યું. જે નારદ ભક્તિ સૂત્ર તરીકે જાણીતું છે. જેમાં ભક્તિની ઉત્પત્તિ, ભક્તિની વ્યાખ્યા, ભક્તિનું સ્વરૂપ, ભક્તિની પ્રાપ્તિ વગેરે વિશે નારદજીએ ખૂબ જ સુંદર આલેખન કર્યું છે. જેઓ ભક્તિ વિશે સમજવા માંગતા હોય તેમણે નારદ ભક્તિ સૂત્રનો પાઠ કરવો જોઈએ.
© Bhargav Makwana
-------------------------------------------------------------------
લેખક - ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com
કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
સંદર્ભો -
1. શ્રીમદ્ ભાગવત્ – વેદવ્યાસ રચિત ભાગ-1-2, સસ્તું પુસ્તક ભંડાર સુરત – પૃષ્ટ – 3, 4, 5 તથા શ્રીમદ્ ભાગવત સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
2. યુગ પ્રવર્તક પત્રકાર ડૉ. બાબાસાહેબ આંબેડકર - પી.એમ.પરમાર - પૃષ્ટ - 1,2,3
3. નારદ ભક્તિ સૂત્ર - ઇસ્કોન પ્રકાશન - અમદાવાદ
4. ભગવદ્ ગીતા - તેના મૂળરૂપે - ઇસ્કોન પ્રકાશન
5. લેખક - પી.સી.પરમાર