Sunday, November 13, 2022

સ્વતંત્રતાની સવાર

મધ્યરાત્રિના આ સમયે જ્યારે વિશ્વ આખું નિદ્રાધીન છે ; ભારતમાં જીવન આંખો ખોલી રહ્યું છે , સ્વતંત્રતાની સવાર પડી છે . ઈતિહાસમાં એવી અતિદુર્લભ ક્ષણો આવે છે જ્યારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ ; જ્યારે એક યુગનો અંત આવે છે અને જયારે રાષ્ટ્રના દીર્ઘકાળથી અવરુદ્ધ પ્રાણને નવજીવન મળે છે . આ અપૂર્વ ક્ષણે આપણે ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ ... 

– પંડિત જવાહરલાલ નેહરુ

હિન્દ સ્વરાજ

13 November 1909

Gandhiji left England for South Africa and wrote ”Hind Swaraj” on board S.S. Kildonan Castle.

ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા ઇંગ્લેંડથી રવાના. એસ.એસ. કિલ્ડૉનન કેસલ જહાજમાં ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું.

https://drive.google.com/file/d/15mGMwmXQyz1kLE0rPHFAQsTmEnVUF2KI/view?usp=drivesdk

Saturday, November 12, 2022

જાહેર સેવા પ્રસારણ દિવસ

 જાહેર સેવા પ્રસારણ દિવસ


આજે જાહેર પ્રસારણ સેવા દિવસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વર્ષ 1947માં આજના દિવસ આકાશવાણી દિલ્હીના સ્ટુડિયોમાં પ્રથમવાર ગયા હતા, તેની સ્મૃતિમાં આજના દિવસની પ્રસારણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 

એ દિવસ, મહાત્મા ગાંધીજીએ દેશના વિભાજન બાદ વિસ્થાપિત થયેલા અને હંગામી ધોરણે હરિયાણાના કુરૂક્ષેત્રમાં રખાયેલા લોકોને આકાશવાણી પરથી સંબોધન કર્યું હતું. 




Thursday, November 10, 2022

ઇલાબેન ભટ્ટને શ્રધાંજલિ

તારીખ 10/11/2022 ને ગુરૂવારના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી, ગુજરાત વિદ્યાપીઠ હાલના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રત, ઇલાબેન ના પરિવાર માંથી મિહિરભાઈ અને રીમાબેન, ગુજરાત વિદ્યાપીઠ ના કુલનાયક શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, અને રજીસ્ટ્રાર શ્રી નિખિલભાઇ ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ગુજરાત વિદ્યાપીઠ પરિવારે ઇલા બહેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, ઈલાબેન ના દીક્ષાંત પ્રવચનો સાંભળી આજે પણ વિદ્યાર્થી અને સેવકો એ બોધ પાઠ મેળવ્યો હતો, વિદ્યાર્થીઓ દ્વારા ઈલાબેન સાથે ના વ્યક્તિગત અનુભવો ની ખુબજ નિખાલસ પણે વાત કરવામાં આવી ત્યારબાદ ઈલાબેન ના પુત્ર મિહિરભાઇ દ્વારા ઈલાબેન ને લખેલ છેલ્લા દીક્ષાંત પ્રવચનમાં બોલવાની વાતો જે નાદુરસ્ત તબિયત ને કારણે ઈલાબેન બોલી ન શક્યા તેને તેમનું તેમનાજ શબ્દો માં વાંચન કર્યું ત્યારબાદ કુલનાયક અને કુલપતિ દ્વારા ઈલાબેન ને શાબ્દિક શ્રધાંજલિ અપાઈ અને અંતે નીખીલભાઈ દ્વારા શોક ઠરાવ નું વાંચન કરવામાં આવ્યું અને તેમની આત્માને શાંતિ મળે તે માટે મોન રાખ્યું હતું. 

Wednesday, November 9, 2022

જીંદગી

તને જોવી, તને જાણવી, તને માણવી, તને પરખવી, શું આ મજા છે જિંદગી,
ક્યારેક તું મજાની તો ક્યારેક સજાની છે જિંદગી,
વિચારતો હતો ભાર્ગવ કે જિંદગીમાં અનુભવો ક્યારેક સારા ને મોટા ભાગના ખરાબ મળે છે,
સમજ પડી તો ખબર પડી કે સારા ખરાબ નહીં દરેક અનુભવ અલગ દે છે આ  જિંદગી,
ક્યારેક તું મજાની તો ક્યારેક સજાની છે જિંદગી,
ઘણા લોકો પ્રશ્ન કરે કાલનો દિવસ કેવો હશે,
ઘણા લોકો જવાબ આપે આજનો હતો એવો જ હશે,
આજથી કંઈક અલગ હશે એ હંમેશા નો જવાબ તારો એ જિંદગી

Monday, November 7, 2022

चल कहीं पर चलते हैं

चल कहीं पर चलते हैं,
गाड़ी से नहीं आज पैदल चलते हैं,
जाना कहां है पता नहीं, मंजिल का कोई ठिकाना नहीं,
बस जी करता है अपने संग रहने का,
चल कहीं पर चलते हैं,
औरों के साथ तो बहुत घूमे,
गैरों के साथ भी रिश्ते बुने,
भार्गव थोड़ा निकाल समय अपने लिए,
चल कहीं पर चलते हैं।

Sunday, November 6, 2022

પોરબંદરની રાજનીતિ નો લોહિયાળ ઇતિહાસ

ત્રણ વર્ષ ધોરણ સુધી અભ્યાસ ને 17 વર્ષે લગ્ન

પોરબંદરના નાનકડાં કાંસાબળ ગામના મહેર પરિવારમાં જન્મેલાં સંતોકબેન જાડેજા ‘ગોડ મધર’ બનીને આખા પંથકને ધ્રુજાવતા. તેઓ આ કક્ષાએ કઈ રીતે પહોંચ્યાં? સંતોકબેન ત્રણ ધોરણ સુધી ભણ્યાં હતા. 17માં વર્ષે તેમના લગ્ન સરમણ મુંજા જાડેજા સાથે થયા, સરમણ તેમના મોટાભાઈ અરજણભાઈ અને નાનાભાઇ ભુરાભાઈ પોરબંદરના મેમણવાડામાં રહેતા હતા.

ઢાળવો, કાપડું અને ઓઢણું પહેરતા
જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ-ઢાળવો,કાપડું અને ઓઢણું તેઓ પહેરતા! ઘરે જે મહેમાન આવે તેમના ચા-નાસ્તો આપવો,રોટલા ઘડવા બસ એ જ એમનું રોજિંદું જીવન હતું. ત્રણેય ભાઇઓમાં સૌથી મોટા અરજણભાઈ ઘરના મોભી તેમનો નિર્ણય ઘરમાં આખરી ગણાતો. સરમણભાઈની પણ એ સમયે સારી પ્રગતિ હતી.

ગાડાના ખૂંટાનો એક જ ઘા મારી ઢીમ ઢાળી દીધું ને રોબિનહુડનો ઉદય થયો
પોરબંદરના કડછ ગામેથી મોટાભાઈ અરજણભાઇ સાથે મજુરી કરવા આવેલા સરમણ ભાઈ ખેતરમાં હળ હાંકતા, એક બળદથી ચાલે તેવું ગાડું-એકો તે બન્ને ભાઈ ખેંચતા. સરમણના માલિકે એક દિવસ મર્યાદા વટાવી. સ્વમાન પર રોજ ઘા સહન કરતા સરમણે ગાડાંના એ ખૂંટાનો એક જ ઘા માર્યો અને એ વખતે જેની આણ હતી જેવા દેવુ વાઘેરનું માથું ફાટી ગયું! સરમણભાઈ તો એ વખતે નાના માણસ હતા પરંતુ તેમણે જેને માર્યો એનું નામ મોટું હતું અને શરૂ થઈ ખેતમજુરમાંથી રોબિનહુડ બનવાની સફર. પોરબંર પંથકમાં તેમનું નામ મોટું થયું, કોન્ટ્રાક્ટના કામો કરતા. જ્ઞાતિમાં સન્માનજનક વિશેષણ પટેલ તેમના માટે વપરાતું! કોઇ પણ કામ માટે લોકો તેમનો સંપર્ક કરતા અને કોઈ સાધારણ માણસ સાથે તેમને ક્યારેય વાંધો નહોતો.

પાંડુરંગ દાદાના ચરણોમાં રિવોલ્વર મૂકી સોંગંધ ખાધા
દોડધામથી થાકેલા સરમણને શાંતિ જોઇતી હતી બરાબર એ જ વખતે પાંડુરંગ શાસ્ત્રી પોતાનું અભિયાન લઈને સૌરાષ્ટ્રમાં આવ્યા. સરમણ તેમના સંપર્કમાં આવ્યા. તેમના ચરણમાં જ રિવોલ્વોર મુકી અને સોગંદ લીધા‘હવે ક્યારેય હથિયાર નહીં ઊપાડું’. બસ,દુશ્મનો જાણે રાહ જોતા હતા. સરમણ મુંજાને નજદીકથી ઓળખનારા કહે છે, કોઇ સ્ત્રી-યુવતી પર નજર બગાડનારને તેઓ ક્યારેય માફ ન કરતા. તેમના જ એક વિશ્વાસુએ એક છોકરી સાથે બળજબરી કર્યાની તેમને જાણ થઈ. પકડીને ઉંધો ટિંગાડ્યો, જાહેરમાં માર્યો અને કહ્યું કે તું ભાઇબંધ છો તેથી જીવતો જવા દઉં છું,પણ હવે પોરબંદરમાં દેખાતો નહીં! બસ, એ અપમાનના બદલાની ભાવના અંગારા રૂપે હતી,તેમાં તાલુકા પંચાયતની ચૂંટણી આવી અને તે અંગારાને હવા મળી. ટીકિટો ફાઇનલ કરવામાં પણ સરમણભાઈનું માન રહેતું.

મહેર રાસ મંડળી રાસ રમતી હતી ને પાછળથી મિત્રએ જ ગોળી ધરબી દીધી
દુશ્મનોએ પેલા ‘અપમાનિત’ દોસ્તનો સહારો લીધો. INT(ઇન્ડિયન નેશનલ થિયેટર) પોરબંદરના બખરવડ ગામે એક શો રાખ્યો હતો તેમાં રાસનો પણ કાર્યક્રમ હતો. મહેર રાસ મંડળી રાસ રમતી હતી ત્યાં જ સરમણભાઈને પાછળથી તેના જુના મિત્રે ગોળી ઘરબી દીધી! ત્યાર બાદ તરત જ તાલુકા પંચાયતની ચૂંટણી હતી. સંબંધીઓની લાગણી અને પિતા સમાન જેઠ અરજણભાઈની આજ્ઞાથી સંતોકબેન તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા,પહેલી વાર આવી રીતે ઘરની ડેલી વટાવી. ચૂંટણી જીત્યા.

પતિની હત્યા બાદ સંતોકબેને ગેંગની જવાબદારી લીધી
સમરણ મૂંજા જાડેજાની હત્યા બાદ તેમના પત્ની સંતોકબેન જાડેજાએ આ બધા જ સાચા ખોટા ધંધાની સધળી કમાન સંભાળી. એક ગૃહિણી, સ્વાધ્યાયી અને પાંડુરંગ શાસ્ત્રીના ભક્ત સંતોકબેનનું જીવન પતિની હત્યા બાદ બદલાઈ ગયું. પતિ સરમણ મૂંજાની હત્યા બાદ સંતોકબેન જાડેજાએ ગેંગની જવાબદારી સંભાળી. એવું કહેવાય છે કે, સમરણ મૂંજાની હત્યાના સમાચાર મળતા જ તેમના નાના ભાઈ ભૂરાભાઈ લંડનથી બદલો લેવા કુતિયાણા આવી ગયા. ગેંગ સંભાળવાની વાત પણ કરી. જોકે, સંતોકબેને ગેંગની કમાન પોતાના હાથમાં જ રાખી અને કથિત રીતે એમના પતિની હત્યામાં સંડોવાયેલાં લોકોની હત્યા કરી દેવાઈ.

આંખોમાં આંસુને બદલે અંગારા જરૂરી હતા
સરમણભાઈના અવસાન પછી ત્રણ જ માસમાં અરજણભાઈ પણ પરલોક સિધાવ્યા. કાંધલ જાડેજા ત્યારે પંદર વર્ષના હતા. બન્ને ફેમિલીની જવાબદારી સંતોકબેનની હતી. પતિનો બિઝનેસ સંભાળવાનો હતો, દિયર ભૂરાભાઈ સાથે બધા લંડન સેટલ થઇએ તેવો વિચાર પણ કર્યો. પરંતુ તે શક્ય ન બન્યું અને તેથી જ આંખોમાં આંસુ ને બદલે અંગારા જરૂરી હતા.

કુતિયાણા સીટ પર કોંગ્રેસનો હતો દબદબો
ગુજરાતની સ્થાપના પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં (1962) કોંગ્રેસ પાર્ટી જીતી હતી. એ પછીની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષ (1967) જીત્યો હતો. 1972 અને 1975ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

કોંગ્રેસના કબીરપંથી એવા મહંત વિજયદાસનું એકહથ્થુ શાસન હતું
આ સમયે કુતિયાણાની સીટ પર કબીર પંથની દીક્ષા લેનારા કોંગ્રેસના મહંત વિજયદાસનો દબદબો હતો. 1980માં મહંત વિજય દાસ આ સીટ પર બિનહરિફ થયા હતા અને ત્યાર બાદ તેઓ 1985માં ભાજપના મેરાગ સુત્રેજા સામે 51000 મતથી વિજયી થયા હતા. માત્ર એટલું જ નહીં, આ બન્ને ટર્મ દરમિયાન તેઓ માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી એમ બન્ને સરકારમાં કૃષિ મંત્રી પદે રહ્યા હતા. તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા.

મહંત વિજયદાસનું વર્ચસ્વ તોડવા ચીમનભાઈ હુકમનો એક્કો ઉતર્યા
મહંત વિજયદાસજીનું વર્ચસ્વ તોડવા જનતાદળે(ચીમનભાઈ પટેલનું સ્તો) સંતોકબેનને 1990માં કુતિયાણામાંથી લડવાની તક આપી. એ કદાચ સૌરાષ્ટ્રની પ્રથમ ચૂંટણી હતી જેમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. સંતોકબેન મહેરજ્ઞાતિના પ્રથમ મહિલા ધારાસભ્ય બની ગયા. કાંધલ જાડેજાના લગ્નમાં તો ગુજરાતનું આખું મંત્રી મંડળ હતું. જેમાં મંત્રીઓએ ડાન્સ પણ કર્યો હતો.

કેશુભાઈની સરકારે ગેંગોની કમર તોડી નાંખીને સમયનું ચક્ર ફર્યું
1995 પછી સત્તાના સમીકરણને સાધવા તથા શક્તિના સમીકરણને પોતાની તરફેણમાં બદલાવવા માટે કેશુભાઈ પટેલની ભાજપ સરકારે કામગીરી ચાલુ રાખી. યુવા IPS અધિકારી સતીશ વર્મા અને સુખદેવસિંહ ઝાલાની જોડીએ એક પછી એક ગેંગોની કમર તોડવાની ચાલુ કરી. લોકો જેમની સામેથી પસાર થવાની હિંમત નહોતા કરતા, એવાં સંતોકબહેન સામે પણ ફરિયાદો થવા લાગી. સંતોકબહેને જેલવાસ ભોગવવો પડ્યો. દીકરાઓએ ફરાર થવું પડ્યું. દિયર ભૂરા મુંજા સામે પણ કાર્યવાહી થઈ. પોરબંદરમાં જ્યારે ગેંગવોર પુરબહારમાં ખીલી હતી ત્યારે જશુ ગગન શિયાળના નામથી ભલભલાની ફેં ફાટતી. એ સમયે સતિષ વર્મા પોરબંદરના ડીએસપી હતા. એ દરમિયાન તા. 2-6-96ના રોજ વહેલી સવારે પોરબંદર પોલીસે જશુ ગગન શિયાળ જ્યાં રહેતા એ ખારવાવાડ વિસ્તારને ઘેરો ઘાલ્યો હતો અને કોમ્બિંગ શરૂ કર્યું હતું. એ સમયે એ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ એન્કાઉન્ટરમાં પોતાના ઘરની અગાશી ઉપર જ જશુ ગગન શિયાળ ઠાર મરાયા હતા.

ચૂનાની ખાણોના ધંધામાં બાબુ બોખીરીયાનું વર્ચસ્વ વધવા લાગ્યું
પરંતુ 1995માં આ સીટ પરથી અપક્ષ ચૂંટણી લડેલા તેમના દિયર ભૂરા મુંજાની જીત થઈ. ત્યાર બાદ 1998, 2002 અને 2007માં કુતિયાણા બેઠક પર ત્રણ ટર્મ સુધી ભાજપના કરશન દુલા ઓડેદરાનો વિજય થયો હતો. કરશન દુલા ઓડેદરા ભીમા દુલા ઓડેદરાના ભાઈ છે. ભીમા દુલા ઓડેદરાના પિતરાઈ ભાઈ અને પૂર્વ મંત્રી બાબુ બોખીરીયાનું રાજકીય વર્ચસ્વ વધતા ભીમા ઓડેદરાને તેનો ફાયદો થતો હતો. ભીમા દુલા ઓડેદરા અને બાબુ બોખીરીયા પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ વિસ્તારમાં ચૂનાનો પથ્થર અને બોક્સાઈટ, ચોકની કિંમતી ખાણો પર કબજો જમાવી દીધો હતો. ચૂનાની ખાણ અને ચાકની ખાણનો પથ્થર સોડાએશ અને સિમેંટ બનાવવા માટે થાય છે. ખાડીના દેશો અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બોક્સાઈટનો મોટો જથ્થો નિકાસ કરવામાં આવે છે.

ભાજપના કોર્પોરેટર કેશુ નેભાની હત્યા અને પરિવારમાં વિખવાદ
છેલ્લે 2005માં ભાજપના કોર્પોરેટર કેશુ નેભા ઓડેદરાની હત્યામાં પણ સંતોકબેનનું નામ આવ્યું. આ સમયગાળામાં પરિવારનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો. કાંધલ જાડેજાના પત્ની અને સંતોકબેન જાડેજાના પુત્ર વધુ રેખા જાડેજાની ઘરમાં જ હત્યા થઈ. પુત્ર વધુની હત્યામાં કાંધલ જાડેજાના ભાઈ કરણ જાડેજાની ધરપકડ કરવામાં આવી. સંપત્તિ અને દબદબો મેળવવાની લડાઈ આ પરિવારમાં છેક અંદર સુધી પ્રસરી ગઈ હતી. પુત્રવધુ અને પરિવારના સભ્યોની હત્યામાં પણ સંતોકબેન જાડેજાનું નામ સામે આવ્યું. વર્ષ 2011માં હાર્ટ અટેકથી રાજકોટમાં સંતોકબેન જાડેજાનું નિધન થયું. જ્યારે 2011માં જ કરણ જાડેજાને રેખા જાડેજા હત્યા કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો હતો. 1999માં વિનય શુક્લાએ 'ગોડમધર' નામની ફિલ્મ બનાવી હતી. જે કથિત રીતે સંતોકબેનના જીવન પર આધારિત હતી. જેમાં શબાના આઝમી અને મિલિંદ ગુણાજીએ લીડ રોલ કર્યા હતા.

11 ઉમેદવાર સામે એકલા હાથે કાંધલે વિધાનસભા ચૂંટણી જીતી
કુતિયાણા સીટ પર સતત બે ટર્મથી NCP નેતા અને સંતોકબેન તથા સરમણ મુંજા જાડેજાના દીકરા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી લીડથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી લીડથી હરાવ્યા હતા.

ભાજપ સાથે ગોઠવણથી એકહથ્થુ શાસન
કુતિયાણામાં તો કાંધલ જ કિંગ છે. એ પોતે ના ઉભો રહે અને બીજા કોઈને ઊભો રાખીને સમર્થન આપે તોય એ જ જીતે. કાંધલ જાડેજાને ભાજપ-કોંગ્રેસ કે કોઈ પાર્ટીમાં બંધાઈને રહેવામાં રસ નથી. તેથી કુતિયાણા બેઠક પર કાંધલનો કોઈ વિકલ્પ નથી. તે પોતાના બાહુબળ, મેહેર સમાજનો સપોર્ટ અને ભાજપ સાથેના તેના આંતરિક સેટિંગને કારણે અહીં એકહથ્થુ વર્ચસ્વ ધરાવે છે. જોકે, ભાજપ કે કોંગ્રેસ કાંધલની સામે આ બેઠક પર બીજો ઉમેદવાર ઉભો રાખીને જીતી જાય એ વાત શક્ય નથી. કારણકે, ભાજપે પોતાના 182 સીટો જીતવાના ટાર્ગેટમાંથી કુતિયાણા બેઠક તો પહેલાંથી જ બાકાત કરીને રાખવી પડે.

રાજ્યસભાની ચૂંટણીમાં ખુલ્લેઆમ ભાજપને સપોર્ટ
કુતિયાણામાં કાંધલ સિવાય કોઈનું ના ચાલે. જેમ પુરષોત્તમ સોલંકી 'ભાઈ' તરીકેની છાપ ધરાવે છે. એ જ રીતે કાંધલ જાડેજા પણ એક પોરબંદરનો એક દબંગ નેતા છે. કુતિયાણામાં કાંધલનું કોઈ નામ ના લઈ શકે. એનસીપીમાં હોવા છતાં તે ખુલીને રાજ્યસભામાં ભાજપને સપોર્ટ કરે છે. કાંધલને NCPની નહીં પણ NCPને હાલ કાંધલ જાડેજાની જરૂર છે. જો ભાજપને કુતિયાણાનો કબજો લેવો જ હોય તો પછી સત્તાવાર રીતે કાંધલને ભાજપમાં સામેલ કરવો પડે બાકી તો આ સીટ પર બીજા કોઈનો મેળ ના પડે એવી સ્થિતિ છે.

કોર્ટે ફટકારી છે કાંધલને દોઢ વર્ષની સજા
સાત મહિના પહેલા કાંધલ જાડેજાને રાજકોટ પોલીસના જાપ્તામાંથી ફરાર થવાના કેસમાં રાજકોટ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. 5 ફેબ્રુઆરી 2007માં કાંધલ જાડેજા રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હતા. કાંધલ જાડેજા, 4 પોલીસ કર્મચારી, 3 ડોક્ટર સહિત 14 શખસ સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટે કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા અને 10 દંડ ફટકાર્યો હતો. 2011માં અદાલતે કાંધલને કેશુ નેભા ઓડેદરા મર્ડર કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. છતાં હાલ પણ તેની સામે 10 જેટલા કેસ ચાલી રહ્યા છે, જે અલગ-અલગ તબક્કામાં છે, જે તેનું રાજકીય ભાવિ નક્કી કરી શકે છે.

સંતોકબેનને સંતાનમાં ચાર પુત્ર
સંતોકબેનને સંતાનમાં કરણ જાડેજા, કાંધલ જાડેજા, કાનો જાડેજા અને ભોજા જાડેજા એમ ચાર પુત્રો છે. એક પુત્ર, કાંધલ જાડેજા, તેમનો રાજકીય વારસો આગળ ધપાવી રહ્યો છે અને એનસીપીની ટિકિટ પર કુતિયાણા બેઠક પરથી ધારાસભ્ય બન્યો છે. સંતોકબેન જીવનભર પોતાની ‘ગોડમધર’ની છબિમાં જીવ્યા. તે પોરબંદરથી રાજકોટ આવ્યા હતા, પરંતુ તેની છબિ અકબંધ રહી હતી.

આ વખતે અમે ગ્રાઉન્ડ લેવલની તૈયારી કરી છે, ચોક્કસ જીતીશું: જિલ્લા ભાજપ પ્રમુખ
પોરબંદર જિલ્લા પ્રમુખ કિરીટ મોઢવાડીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ વખતે પાટીલ સાહેબનું માર્ગદર્શન છે, પેજ પ્રમુખ સુધીની તૈયારી થઈ ગઈ છે. આ વખતે ચોક્કસ આ સીટ જીતીશું. બે ટર્મથી આ બેઠક ભાજપને મળતી નથી તેવા સવાલના જવાબમાં કિરીટ મોઢવાડિયાએ બચાવ કર્યો હતો કે, આ વખતે ગ્રાઉન્ડ લેવલની તૈયારી છે. આ વખતે ચોક્કસ જીત થશે.

ભાજપનો 12મો ખેલાડી છે એ બધાને ખબર છે, દબંગ-બબંગ થોડા આવેઃ કોંગ્રેસના ઉમેદવાર
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરાએ કાંધલ જાડેજાને પરાજીત કરવાની સ્ટ્રેટેજી અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામે કોઈ એવો ઉમેદવાર જ નહોતો. આ વખતે ઉમેદવારો સારો મળ્યો છે અને કામ કરતો માણસ મળ્યો છે, એને પરાજીત કરવો છે એ જ મારી રણનીતિ છે. હું પાંચ વર્ષથી લોકો વચ્ચે બેસતો વ્યક્તિ છું. કોરોનામાં મેં લોકોને ખૂબ મદદ કરી છે. દબંગ બબંગ થોડા આવે ભાજપનો 12મો ખેલાડી છે એ બધાને ખબર છે. એને હરાવવાનો છે એટલે હરાવવાનો છે.

કોંગ્રેસે કે ભાજપે આ સીટ જીતવી હોય તો કાંધલને પાર્ટીમાં લેવા જ પડે
જો ભાજપ 182 માંથી અન્ય 181 બેઠકોમાં જીતી પણ જાય તોય તેમણે કુતિયાણા જીતવા માટે કાંધલને ભાજપમાં સામેલ કરવો જ પડે. તેથી જો સી.આર.પાટીલે તમામ 182 બેઠકો જીતવાનો ટાર્ગેટ સિદ્ધ કરવો હોય તો સૌથી પહેલાં અજેય ગણાતી કુતિયામા બેઠક પરથી કાંધલ જાડેજાને ભાજપમાં લેવા પડે. એ જ કારણ છેકે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની વાત આવે ત્યારે સ્થાનિકો હોય કે રાજકીય પંડિતો દરેકના મોઢે એક જ વાત છેકે, કુતિયાણામાં કાંધલનો કોઈ વિકલ્પ નથી. તમામ સીટોમાં કુતિયાણા એક બેઠક એવી છે જ્યાં ભાજપ-કોંગ્રેસ કે આપ કોઈનું પણ ચાલે એમ નથી.

ભાજપમાંથી નગરપાલિકાના પ્રમુખ સહિત 6 લોકોની દાવેદારી
રાણાવાવ-કુતિયાણા વિધાનસભા માટે લેવાયેલ સેન્સમાં 6 જેટલા દાવેદારોએ ટીકીટ માગી છે. જેમાં પોરબંદર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રમેશ ઓડેદરા, કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલી ઓડેદરા, સુદામા ડેરીના ચેરમેન ભરત ઓડેદરા, માધવપુરના સરપંચ રાજેશભાઈ કરગથરાનાનો સમાવેશ થાય છે. પોરબંદર વિધાનસભા બેઠક પરથી 7 અને કુતિયાણા બેઠક પરથી 6 જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી હતી.


સંયોજન - દિવ્યભાસ્કર ડીજીટલ પ્લેટફોર્મ